ગુ જ ર તી..... ગુજરાતી!!!



"જાઓ, તમે તમારી માતૃભાષા જ ના સમજી શકો!"
                                                                  - એક શ્રાપ 

આજે ૨૧મી ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી મારી માતૃભાષા છે. અને એની દશા આપણે બધા જાણીએ જ છીએ. ખાલી ગુજરાતી નહી ભારતની મોટ્ટાભાગની ભાષાઓ માટે ચિંતા થવાની શરુ થઇ ગઈ છે. ભાષા ને આપણે ચાર ભાગમાં વહેંચી નાંખીએ: શ્રવણ, કથન, વાંચન, અને લેખન! હજુ, માતૃભાષાનું શ્રવણ અને કથન ખતરામાં નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જ્યાં સુધી સ્ત્રીઓ રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વને કોઈ જ પ્રશ્ન નથી. વાંચન અને લેખન પુરેપુરે કથળી ગયું છે અને વધુ કથળશે. 

ફરીથી કહું તો આ વાત ખાલી ગુજરાતી ભાષાની નથી મોટાભાગની બીજી ભાષાઓ પણ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ભાષાનો રકાસ ચાલુ કરનાર 'મેકોલે' કહી શકાય. પણ પછી આપણે ૬૫ વરસ સુધી પણ એમાં થી બહાર નાં નીકળી શક્યા એના માટે કોણ જવાબદાર??? આપણે ભાષામાં પણ ઉચ્ચ નીચ નાંખી દીધા. અંગ્રેજી જાણનારા ઉંચા અને બીજી ભાષાઓ નીચી. ભાષા એ ભાષા હોય છે એ વાત આપણે કોને કોને સમજાવીશું? રેડિયો મિર્ચીનો લોકપ્રિય આર.જે. ધ્વનિત કહે છે કે, "સોસાયટીમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો ને ઘરેથી કહેવામાં આવે છે કે ગુજરાતી માધ્યમ વાળા બાળકો જોડે રમશો નહી!" આ વાત આપણને આપણી લઘુતાગ્રંથીનો પરિચય આપી જાય છે. આપણું ગાંડપણ હવે એટલું વધી રહ્યું છે કે વાંદરું પોતાના 'ઘા' પહોળો કરી કરી ને મોત ખેંચી લાવે એમ જ આપણે આપણા લઘુતાગ્રંથીનાં 'ઘા' ને પહોળો કરી કરી ને આપણી માતૃભાષાનું મોત ઝંખી રહ્યા છે.

(લંડન પોલીસ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલ પબ્લિક નોટીસ)


ગુજરાતી ભાષા બ્રિટનની ટોપ ટેન ભાષામાં સમાવેશ પામેલી ભાષા છે. અંગ્રેજી ભાષાનો જે ઉદય સ્થાન છે એ દેશમાં જ ત્રણ જુદી જુદી ભાષા બોલાય છે સ્કોટીશ, વેલ્શ, અને અંગ્રેજી! છતાં, આ ત્રણ અલગ અલગ ભાષા બોલનારા લોકો ક્યારેય ઉચ્ચ- નીચ નો ભાવ નથી રાખતાં. હું જયારે લંડનમાં ભણતો હતો ત્યારે જુદા જુદા દેશમાંથી આવીને વસેલાં લોકો મારી જોડે ભણતા હતા. એ લોકો જયારે પણ લેક્ચરમાં આવે તો એમની માતૃભાષાનો શબ્દકોશ જરૂર એમની જોડે હોય. અને જયારે કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ એમને ના સમજાય ત્યારે તેઓ હાથ ઉંચો કરીને પ્રોફેસરને અટકાવીને પહેલા પોતાની ડીક્ષનરીમાંથી એ શબ્દનો અર્થ સમજીને પછી જ આગળ ભણવાનું કહે!!! પ્રોફેસરો પણ આ વાતને પ્રોત્સાહન આપતા હતા. "અંગ્રેજી તમારી સેકેન્ડ લેન્ગ્વેજ છે એટલે તમારે તમારી ભાષાની ડીક્ષનરી જોડે રાખવી જ જોઈએ." આ સલાહ અમને અમારાં પહેલા જ લેક્ચરમાં 'સિમોન ન્યુમેન' નામનાં અમારાં પ્રોફેસરે આપેલી. સારી વાત કહો કે ખરાબ વાત પણ ક્લાસમાં મારી જોડે બીજો એક વિધાર્થી ભારતનો હતો કેરાલાનો. હું કે એ કોઈ દિવસ અમારી ડીક્ષનરી લઇને નહતાં જતા. એની તો ખબર નથી પણ મને સહેજ અણગમો કહો કે લઘુતાગ્રંથી કહો એવું લાગતું કે લોકો કેવું માનશે કે ભાઈસાહેબ ને અંગ્રેજી નથી આવડતું એટલે આ ડીક્ષનરી લઇ ને ઉપડ્યા! આ કારણે હું ડીક્ષનરી લઇ જવાનું ટાળતો હતો. અમારી યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં ગુજરાતી - અંગ્રેજી ડીક્ષનરી હતી અને એક નહી આઠ - આઠ નંગ. આ ડીક્ષનરીને લાઈબ્રેરીમાં જોઈને આશ્ચર્ય થયું હતું અને પછી વધુ આશ્ચર્ય એ બાબતનું થયું હતું કે ગુજરાતી - અંગ્રેજી ડીક્ષનરી લખનાર કોઈ ગુજરાતી નહી પણ પુ.લ. દેશપાંડે નામના મહારાષ્ટ્રીયન હતા! આજે ગુજરાતમાં જ ચાલતી કેટલી અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી - અંગ્રેજી ડીક્ષનરી લાઈબ્રેરીમાં અવેલેબલ હશે એ એક તપાસનો વિષય છે.

"જગતનાં ૧૮૦ દેશોમાંથી માત્ર ૧૨ દેશો જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. ભારતમાં ખાલી ૩% બાળકો જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે."

જે વ્યક્તિ અંગ્રેજીમાં ભૂલ કરનારની હાંસી ઉડાવે છે એ લોકો ને કોઈ બીજી ભાષામાં થતી ભૂલ દેખાતી નથી. 'મને ગુજરાતી ફાવતું નથી, બરાબર આવડતું નથી.' એવું ગૌરવપૂર્વક કહેવાની ગુજરાતીઓમાં ફૅશન વધતી જાય છે. અંગ્રેજી માં ખોટા ઉચ્ચારણો પર ધ્યાન આપનાર ને ગુજરાતીમાં થતી જોડણી ભૂલો દેખાતી નથી. જોડણી તો કદાચ હવે શિક્ષકો પણ ભૂલવા માંડ્યા છે. (સાર્થ જોડણી કોશ પણ અમારી યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં હતો!) ભાષા પર પ્રભુત્વની વાત આવે તો રામચંદ્ર ગુહા લખે છે કે અત્યારનાં જે લેખકો છે એમાં બે ભાષા પર પ્રભુત્વ હોય એવા લેખકો રહ્યા જ નથી. આપણી પાસે પહેલા ગાંધીજી અને ટાગોર જેવાં લેખકો હતા કે જે ગુજરાતી અને અંગ્રેજી/બંગાળી અને અંગ્રેજી બંને પર સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા અને બંને ભાષામાં લખી જાણતા હતા.  



અંગ્રેજી  ભાષાએ ભારતને એકરૂપ કર્યા છે અથવા તો એમ કહી શકીએ કે જોડ્યા છે. દુનિયા જોડે આપણને બેસાડી દીધા છે. ૧૯૯૧ પછી ની આર્થિક ક્રાંતિમાં અંગ્રેજી ભાષાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. પણ એવું કહેવું જરા વધારે પડતું છે અને અતિશયોક્તિપૂર્ણ  છે કે જો અંગ્રેજી ભાષા નાં હોત તો આપણે કઈ કરતાં કઈ નાં કરી શક્યા હોત. આપણી જોડે ચાઈનાનું ઉદાહરણ છે!!! 

હેં  ઈશ્વર, હવે તો દે મરવાનું, 
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?
                              -હરદ્વાર ગોસ્વામી

આપણે અંગ્રેજી કે કોઈ બીજી ભાષાને ધિક્કારવાની નથી આપણે તો આપણી માતૃભાષા ને પ્રેમ કરવાનો છે. માતૃભાષા જીવનનાં પહેલા થોડા વર્ષો માંગે છે અને પછી જીવનભર આપણને આંનદ બક્ષે છે. ગુજરાતી ભાષા સમૃદ્ધિ વિષે લખવા બેસીએ તો ઘણું લખાય એમ છે પણ વાંચવા વાળું જ ક્યાં છે??? અંગ્રેજી સરસ શીખો બોલો પણ ક્યાં સુધી લઘુતાગ્રંથીથી પીડાતા રહીશું આપણે??? સામ પિત્રોડાની અધ્યક્ષતામાં ચાલતા  'નેશનલ નોલેજ કમિશનનાં' વર્કિંગ કમીટીનાં રીપોર્ટમાં પણ ભારતીય ભાષા માટે ના આપણા અભિગમમાં બદલાવ લાવવાની વાત કરી છે. સામ પિત્રોડા પોતે ગુજરાતમાં રહ્યા, ભણ્યા અને ગુજરાતી શીખ્યા છે અને ગુજરાતી સરસ લખી, વાંચી અને બોલી શકે છે.

આ બધી વાત માં ગુજરાત સરકારની ઘોર ઉદાસીનતા ઉડીને આંખે વળગે છે. પોતાને 'ગુજરાતની અસ્મિતાનાં' દૂત ગણનારા શ્રીયુત મોદીને ગુજરાતી ભાષાની ફિકર લાગતી નથી. શું સરકાર બધી જ શાળાઓમાં ગુજરાતી એક વિષય તરીકે ફરજીયાત નાં કરી શકે? કેલોરેક્ષ નામની શાળામાં ઈન્ટરનેશનલ અભ્યાસક્રમ ચાલે છે. ત્યાં 'ગુજરાતી' ભાષા શિક્ષક ના લેવા પડે એટલે એ લોકો ગુજરાતી વિષય વિદ્યાર્થીઓ ને લેવા દેતા નથી અને ફ્રેંચ કે સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓ ભણાવે છે! મંજુલા - પૂજા શ્રોફ એમનાં નામ પરથી ગુજરાતી લાગે છે અને એ જ આ શાળાનાં કર્તાહર્તા છે, છત્તા પણ ગુજરાતીની ગુજરાતમાં આ દશા!!! ગઈ કાલે જ ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ રજુ થયું. ગુજરાતીમાં રજુ થયેલ બજેટમાં ૪૮ નવી સરકારી શાળા ખુલવાની વાત થઇ. આ શાળા અંગ્રેજી માધ્યમની હશે. ગુજરાતની અસ્મિતાનાં નામે વોટ ઉઘરાવનારા આ બાબતમાં કેમ દુર્લક્ષ સેવે છે? છેલ્લા ત્રણ દાયકા માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ નું ગાંડપણ એ હદે વધ્યું છે કે ગુજરાતી માધ્યમ ની શાળાઓ હવે ગરીબ ના ઘરની જેવી બની ગઈ છે. જે તત્વ ચિંતક શ્રીયુત મોદીનાં બચાવ માં રાત દિવસ રચ્યા પચ્યા રહે છે એ જ તત્વ ચિંતક ગુજરાતી ભાષા બચાવવા માટે 'ટહુકો' પાડે છે પણ એ મોદી સાહેબ ને સમજાવી નથી શકતા કે બધી જ શાળા માં ગુજરાતી એક વિષય તરીકે ફરજીયાત કરતો કાયદો બનાવી દો!!!

ભાષાનું રાજકારણ અને ભાષાનું જતન બંને જુદી વાત છે. અને માતૃભાષા તો આખી જુદી જ પડે છે બીજી બધી ભાષાઓથી. યુનાઇટેડ નેશન્સ પણ આ વાતને સુપેરે જાણે છે અને એટલે જ પ્રાથમિક અભ્યાસ બાળકો ને પોતાની માતૃભાષામાં જ કરાવવો જોઈએ એવો આગ્રહ રાખે છે. મા નાં ઉદરમા હોઈએ ત્યારથી આપણે આપણી માતૃભાષાનાં સંપર્કમા આવી જતાં હોઈએ છે. જો તમારા ઘરમાં અંગ્રેજી ભાષાનું ચલણ હોય અને સપનાં પણ અંગ્રેજીમાં આવતા હોય તો માની લેજો કે અંગ્રેજી તમારી માતૃભાષા છે અને તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરજો. પણ જો તમારે ત્યાં ગુજરાતીનું પ્રભુત્વ હોય અને સપનાં પણ ગુજરાતીમાં આવતા હોય તો ગુજરાતી માધ્યમની શાળામાં બાળકને દાખલ કરાવતાં લઘુતાગ્રંથીનાં અનુભવતાં.

જે  લોકો બાળકને અંગ્રેજી માધ્યમમાં મુકે છે એમને બે વાત દ્રઢ થઇ ગઈ હોય છે. એક તો, અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક 'સ્માર્ટ' બને; અને, અંગ્રેજી શીખવા સિવાય કોઈ ઉદ્ધાર જ નથી. જ્યાં પહેલી વાત સાવ કરતા સાવ ખોટી છે, અને બીજી વાત મોટ્ટાભાગે સાચી છે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી વાત સાચી પણ અંગ્રેજી ખાલી અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ આવડે એવું ક્યાં લખાયેલું છે? જોકે, એક વાત આપણે નકારી ના શકીએ કે આપણે ત્યાં અંગ્રેજી વિષય શિક્ષકનું જ અંગ્રેજી બહુ કાચું હોય છે. અંગ્રેજી વિષય ગુજરાતી માધ્યમમાં ભણી જ શકાય અને પુરતો ન્યાય પણ આપી શકાય.  રેડિયો મિર્ચીનો લોકપ્રિય આર.જે. ધ્વનિત આજે જ પોતાના કાર્યક્રમમાં કહ્યું કે, 'જે રીતે હું ગુજરાતી માધ્યમમાં ભણી ને અહીં સુધી પહોંચી શક્યો છુ અને રસ્તા કાઢ્યા છે એમ જ મારો છોકરો પણ ગુજરાતી માધ્યમમાં ભણી ને આગળ વધશે.' ભાષા અને 'સ્માર્ટનેસ' ને કોઈ જ લેવાદેવા નથી એ વાત હવે લોકો ને સમજાવવી ભારે પડી જવાની છે. એક આખો વર્ગ ખાલી ફાંકડા અંગ્રેજી અથવા ધાણીફૂટ બોલાયેલ અંગ્રેજીને જ 'સ્માર્ટનેસ' નો પર્યાય માનીને બેઠો છે. આ વર્ગને કઈ રીતે સમજાવવું કે ભાષા એક માધ્યમ છે.

અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ સારું અંગ્રેજી લખી શકાય એવો એક બીજો ભ્રમ પણ પ્રવર્તે છે. ભાષાનું વાંચન અને ભાષાની અભિવ્યક્તિ/લેખન બંને વાતમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ જ ઉદ્ધારક છે એવું ઘણાં લોકો માને છે. ગુજરાતી ભાષામાં ભણ્યા હોય એવા ઘણાં લોકો અત્યારે ટોચ પર બિરાજે છે. ગુજરાતી ભાષામાં ભણી ને દુનિયામાં નામના ધરાવતા લોકો ઉપર તો એક આખું પુસ્તક લખી શકાય એટલે નામો આપણી વચ્ચે હાજર છે. પરમ મિત્ર તુષાર આચાર્ય ગુજરાતી માધ્યમમાં ભણ્યો છે અને ગુજરાતી ભાષા માટે વિશેષ રુચિ ધરાવે છે. એણે લખેલો આ લેખ અંગ્રેજીમાં લખાયેલ છે છતાં તેમાં ક્યાંય પણ તમને 'ગુજરાતી માધ્યમ' ની વાસ નહી આવે. કહેવાનો ભાવાર્થ એ જ કે જો તુષાર અને એના જેવાં ઘણાં ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકો જો આટલું સરસ અંગ્રેજી લખી શકતાં હોય તો પછી કેમ તમારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણી ને અંગ્રેજી પણ સરસ લખી, વાંચી અને બોલી ના શકે?



ચાલો, આ આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસે સંકલ્પ કરીએ કે આપણા જીવનકાળ દરમિયાન આપણે આપણી માતૃભાષાને 'કાળ'નો કોળિયો થતાં બચાવીશું. 

વિચાર-વાયુ: જો તમને દુનિયામાં ગુજરાતી ભાષા જેવી સરળ અને સમૃદ્ધ બીજી કોઈ ભાષા મળી આવે તો માનજો કે તમે કોઈ 'નવી-શોધ' કરી છે. - ફાધર વાલેસ


Comments

Rajni Agravat said…
મનન,
મને આ બ્લોગપોસ્ટમાં એક વાત ગમી કે આમાં માતૃભાષાને ધાવવાની વાત નથી પણ ધાવણની જગ્યાએ પણ ફેરેક્સ અને કોમ્પલાન જેવી વસ્તુઓનો માત્ર મોહ રાખવો એ પણ કેટલું વ્યાજબી છે એની લાલબત્તી છે.

એફબી પર આ વિશે ક્યારેક તૂટક તૂટક ચર્ચા થતી હોય છે એમાં એકવાર (લંડન રહેતા) મિનલ પંડિતને એ જ નવાઈ લાગેલી કે અમારો દીકરો કસક જે સ્કૂલમાં ભણે છે એવી દરેક CBSE કોર્ષ વાળી સ્કૂલમાં ગુજરાતી વિષય જ નથી હોતો!!

આમાં એવું પણ નથી કે પહેલા અમે દીકરાને મૂકવાની ભૂલ કરી અને હવે પછતાઈએ છીએ અને છાજિયા લઈએ છીએ..જે તે સમયે અમુક નિર્ણય લેવો એ મજબુરી છે, ભૂલ નહીં. (અહીં એ વખતના બહા કારણો લખી કોમેન્ટ લાં....બી નથી કરતો)

એક વડીલ મિત્ર એ એના દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો, ત્યાર બાદ એ દીકરાની દિકરી વખતે એણે ખાલી એટલું યાદ દેવડાવ્યું કે તું તારી વાત અંગ્રેજી, હિન્દી-ગુજરાતી-સિંધી આમાં એકપણ ભાષામાં લખી/અભિવ્યક્ત કરી શકશ? બસ આ પાયાની વાત છે

Popular posts from this blog

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!